ગુરુવાર, 28 જુલાઈ, 2011

કદાચિત...

એ ફૂલોની પાસે લખાવે કદાચિત;
પવન સાથે ખત મોકલાવે કદાચિત !

તને એમ છે કે એ ભૂલો પડ્યો છે !
બને એ જ રસ્તો બતાવે કદાચિત !

ઉદાસી,વ્યથા, આંસુઓ, યાતનાઓ;
છે સઘળુંય તારા અભાવે કદાચિત.

અમે ઘર બનાવ્યું છે એકાંત મધ્યે;
આ શબ્દો હવે ઘર સજાવે કદાચિત !

કરી છે અમે દોસ્તી સાંજ સાથે;
હવે રંગ જીવનમાં આવે કદાચિત !
-'જિત' ઠાડચકર

શનિવાર, 23 જુલાઈ, 2011

ઘટના...

બની રહી છે કેમ અહીં હોવાની ઘટના ?
ઇચ્છા તો છે ક્યાંક બને ખોવાની ઘટના.

આપ ભલે ને સ્મિતોના તોરણ બાંધી દો;
ઘરમાંથી તો નીકળે છે રોવાની ઘટના.

જાય પછી રાતોની રાતો ઉજાગરામાં;
ખૂબ પડે છે મોંઘી આ જોવાની ઘટના.

પુણ્ય અને પાપોની સઘળી ચિંતા છોડો;
ગંગામાં તો રોજ બને ધોવાની ઘટના.

કોણ જાય છે રોજ ગઝલમાળા ગૂંથીને ?
અને બને છે કેમ શબ્દ પ્રોવાની ઘટના ?
-'જિત' ઠાડચકર

ગુરુવાર, 21 જુલાઈ, 2011

માળો કર્યો...

સાવ સૂક્કા અવસરની પાળે ઉગેલ 
એક ઘટનાની ડાળે અમે માળો કર્યો.

શમણા બનીને રોજ આવ્યા કરે 
કોઇ મુલકના પંખી અજાણ્યાં; 
   જન્મારો આખો જોને સાથે ગાળ્યો,
   બસ માણ્યાં, કદી ના પિછાણ્યાં. 

તણખાને ટેકે અમે બેસી રહ્યા, ને
  પેલા પાંદડાએ ખોટો હોબાળો કર્યો !
સાવ સૂક્કા અવસરની પાળે ઉગેલ 
  એક ઘટનાની ડાળે અમે માળો કર્યો.

  જગની વિશાળતાયે વામણી પડે, 
 એક માળાના ગોળ ગોળ ખાડે; 
     અવસર સૂક્કો ને તોય લીલા સંબંધે
   રહ્યા તું ને હું થડિયાની આડે. 

કેમે કરીને મૌન ભેગું કર્યું ને, 
        પેલા સ્મરણોનાં ટહુકાએ ચાળો કર્યો ! 
સાવ સૂક્કા અવસરની પાળે ઉગેલ 
     એક ઘટનાની ડાળે અમે માળો કર્યો.


-'જિત' ઠાડચકર



બુધવાર, 20 જુલાઈ, 2011

રાજમાતા

તું અમારો શ્વાસ છે;
ક્યાં છતાંયે પાસ છે ?

હું હજી ચાહુ તને;
ક્યાં તને વિશ્વાસ છે ?

તેં જ વાવ્યું છે બધું;
તેં જ પાડ્યા ચાસ છે.

એક અમથો શ્વાસ ને;
સેંકડો નિ:શ્વાસ છે.

એક તારો ઝળહળ્યો;
કેટલો અજવાસ છે !

દિલ જશે તો ચાલશે;
વેદના તો ખાસ છે !

રાજમાતા છે ગઝલ;
'જિત' કેવળ દાસ છે.
                                                                   -'જિત' ઠાડચકર

શનિવાર, 16 જુલાઈ, 2011

આ શું થઈ રહ્યુ છે ?

હે બાપુ! ભગતસિંહ, હે આઝાદ, નહેરુ! જો વેરાન આખું ચમન થઇ રહ્યું છે; 
બને સ્વાર્થઘેલો અહીં એક માણસ, ને બરબાદ આખું વતન થઇ રહ્યું છે. 
હે આંબેડકર ! કાયદાને બધાં પોતપોતાના ખિસ્સામાં લઇને ફરે છે; 
રહ્યું છે હવે ક્યાં ચલણ મૂલ્ય કેરું ? સરેઆમ સૌનું પતન થઇ રહ્યું છે.
                                                   સરેઆમ સૌનું પતન થઇ રહ્યું છે.

-'જિત' ઠાડચકર

ગુરુવાર, 14 જુલાઈ, 2011

ઉછીનું મોતી...

હો... તારા ટહુકામાં ગૂંથ્યા છે વાસંતી મોતી ! ઓ કોકિલા... 
મને ઉછીનું આપ એક મોતી ! 

મારા લીમડાની એક ડાળ સૂકી છે; 
વીત્યાં વરસોની વાતો ત્યાં મૂકી છે. 

હો... મારા બચપણના ભેરૂને લાવી દે ગોતી ! ઓ કોકિલા... 
મને ઉછીનું આપ એક મોતી ! 

તારા કંઠે મેં જોયો છે ફાગણને; 
રંગ કેસરિયે લીંપ્યું છે આંગણને. 

હો... મારા શબ્દોના સીમાડા આવ જરા જોતી ! ઓ કોકિલા... 
મને ઉછીનું આપ એક મોતી ! 

-'જિત' ઠાડચકર

અજાણ્યાં વિસ્તારે (શિખરિણી)

અજાણ્યાં વિસ્તારે, ક્યમ ખબર મુજને પડી શકે ? 
પ્રભુ હું કાચો છું, સમજ ધરવા આવ પડખે. 

દિવાલો ઊભી છે, તિમિર રચવા આ પ્રહરમાં; 
રવિ મારા ઉરે, ઉદિત કરજો તેજ સઘળું.

અજંપાની સાથે, સમય કપરાં ઘાવ કરતો; 
સહી જાણું એને, સહન કરતી જેમ ધરતી. 

ઉદાસી આંખોમાં, રજકણ સમી ઝાઁખ અર્પે;
મને આપો એવી નજર નિરખું હું સકલને. 


-'જિત' ઠાડચકર







પડછાયા ભૂલા પડ્યા..

કોઇ સરનામું શોધીને લાવો,કે પડછાયા ભૂલા પડ્યા!
એને આંગળીએ ઝાલી લઇ જાઓ,કે પડછાયા ભૂલા પડ્યા! 

પીળચટ્ટી આવળને છાંયે બાંધેલ 
મારા બચપણની કટ્ટી છોડાવો; 
રોઇ રોઇ થાકેલી સહિયરની ચોરેલી 
સોનાની બુટ્ટી ઘડાવો. 

એને સગપણની કેડી બતાવો,કે પડછાયા ભૂલા પડ્યા!
કોઇ સરનામું શોધીને લાવો,કે પડછાયા ભૂલા પડ્યા! 

આંધળા તે પગરવની પૂંઠે આવીને 
મારા સપનાની ડેલી ખખડાવી; 
અંધારી રાત્યુંના ઓથારે બેસીને 
અટકળની અબળા અભડાવી. 

એને સૂરજની ઝાઁખી કરાવો,કે પડછાયા ભૂલા પડ્યા !
કોઇ સરનામું શોધીને લાવો,કે પડછાયા ભૂલા પડ્યા !


-'જિત' ઠાડચકર




હૈયા હો...

કોઈ ઉપાડો શ્વાસોની બિસ્માર નનામી, હૈયા હો ! 
ક્ષણનાં સૂરજની સાખે હોમાય સલામી, હૈયા હો !

આગળ પાછળ ઉડતી જાતી ધૂળની ભૂરી ડમરી, ને; 
આંખોમાં બેફામ બનેલી ઝાઁખ હરામી, હૈયા હો ! 

નાક મથાળે બેઠેલી માખીના સગપણ શોધી લો; 
વાનર પાસે સાવ ખુલ્લી તલવાર ઇનામી, હૈયા હો ! 

ધગધગતા સળિયા નાંખીને ફોડી નાંખો કુબજાને; 
કર્યા કરે છે સપનાની દિનરાત ગુલામી, હૈયા હો ! 

'જિત' ખિસ્સામાં સ્વારથના ખખડે છે સિક્કા, બોલી દઉં ? 
કોઇ મરેલા માણસની જો થાય નિલામી, હૈયા હો !

-'જિત' ઠાડચકર


બુધવાર, 13 જુલાઈ, 2011

શક્યતાના ઝાડ પર ! ...

એક બાળક રોજ ચડતું, શક્યતાના ઝાડ પર; 
તોય ફળ કાચું જ મળતું, શક્યતાના ઝાડ પર! 

આપણે પાણી ન પાયાની વ્યથા કેવળ, અને; 
પાંદડું પીળાશ ધરતું, શક્યતાના ઝાડ પર!

ક્યાં જઈ ટકટક કરું? એ મૂંઝવણમાં રાતદિન; 
એક લક્કડખોદ ફરતું,  શક્યતાના ઝાડ પર! 

ડાળખી બટકી જવાની જોઈને સંભાવના; 
વાંદરું કૂંપળ પકડતું, શક્યતાના ઝાડ પર! 

આમ તો ભૂતકાળમાં કૂદી જવું સહેલું ઘણું; 
હા, ફરી ચડવું જ પડતું, શક્યતાના ઝાડ પર! 

-'જિત' ઠાડચકર





સોમવાર, 11 જુલાઈ, 2011

લારીવાળાનુ ગીત

થોકબંધ ખૂબ જીવ્યાં વેપારી જેમ હવે લારીવાળાની જેમ જીવીએ; 
 દુનિયાદારીને એક પોટલામાં બાંધીને રસ્તાની મોજ થોડી ઝીલીએ.


ઝૂર્યાં કરે છે રોજ આંખો કંગાલ 
પેલા તાળું વાસેલા શૉ કેસમાં;
રાખે છે કૂંચીઓ  કેડમાં એ વરૂઓ 
જે બેઠા છે માનવીનાં વેશમાં.

ખુલ્લી બજાર જેમ આપણેય ખુલ્લા, દુઃખિયાની વસંત જોઇ ખીલીએ.
થોકબંધ ખૂબ જીવ્યાં વેપારી જેમ હવે લારીવાળાની જેમ જીવીએ.

કેવા છે લોક બધાં ? ભોળા કે શાણા ?
ના વેપારી સામે કાંઇ બોલે !
આપણે તો રુદિયાને મૂક્યો છે ખુલ્લો
તે બે મોઢે ભાવ બધાં બોલે.


અંતરનો ભાવ ક્દી હોય નહીં ભઈલા ! સહેજે વિચારીને બોલીએ.
થોકબંધ ખૂબ જીવ્યાં વેપારી જેમ હવે લારીવાળાની જેમ જીવીએ.

'જિત' ઠાડચકર