બુધવાર, 26 સપ્ટેમ્બર, 2012

આમંત્રણ...

             
             'ડબ ડબ ડબાક ડબ ડબ ડબાક......' અચાનક શરૂ થયેલા આ અવાજે બાળકોના ટેસ્ટ પેપર ચકાસતાં એ તરફ ધ્યાન ખેંચ્યું. નિશાળે જઇને બાળકોને ટેસ્ટના ગુણ આપવાની ઉતાવળને કારણે તરત જ ટેસ્ટ ચકાસણીમાં લાગી ગયો. સવારના પહોરમાં આ દુષ્કાળમાં પણ કામ મળી રહેવાથી ખૂશખૂશાલ થઇને ખેતરમાં કામે જતાં લોકોની ઉતાવળ ધ્યાન ખેંચે તેવી હતી. મારી દુકાન આગળથી જ પસાર થતાં હોવાથી એમની વાતો મારા કાને વગર અવરોધે પહોંચતી હતી. નીકળનાર દરેકના મોઢે દૂરથી સંભળાતા પેલા અવાજની ચર્ચા ચાલી રહી હતી. 
              "ઠાકરદાદાને નવરાવવા લૈ જાતા લાગે !" 
              "ના, ના અત્યારે થોડું હોય !" 
              બે જણીઓ વાતો કરતી નીકળી. 
              ''એ...... ફૂહટ્યુ ! હેંડો ને ઉતાવળે, બવ ટાઢિયું !" 
              ''એ તમે જાવ, હું આ આવી." પહેલીએ બરાડો પાડીને કીધું. 
              "અલી, ક્યાં હાલી ?" બીજીએ મોડું થતું હોવાના કારણે ખિજાઇને કહ્યું.
              "આ ક્યાં વાગે છે ઈ જોતી આવું" કહીને તે દોડવા માંડી. 
             ઘડીક રહીને એ ઉતાવળે પગલે આવી અને બોલી: "અલી, ઓલી નાની એવી સોડી દોરડા પર કેવી ડગમગ હાલે સે ! મજા આવે એવું સે." એમ કહેતીકને બંને જણીયું ચાલતી થઇ. 
            ટેસ્ટના પેપરમાં ધૂમકેતુની 'ભીખુ' વાર્તાના પ્રશ્નો અને જવાબો હતાં. એ વાર્તા બાળકોને ખૂબ જ ભાવુક અને ઓતપ્રોત થઇને ભણાવી હતી. તરત જ આંખ સામે ભૂખનું દુ:ખ ગળી જતા ભીખુની છબી તરવા માંડી. ધ્યાન હવે સંપૂર્ણ રીતે પેલા અવાજ તરફ હતું. લાલ પેન મને ટેસ્ટના કાગળ તરફ ખેંચતી હતી તો કાગળમાં આવતો 'ભીખુ' શબ્દ મને પેલા અવાજ તરફ જવા માટે મજબૂર કરી રહ્યો હતો.
              પેન સાથેના લાંબા સંઘર્ષ બાદ 'ભીખુ'ની જીત થઇ અને ટેસ્ટના કાગળિયા એકબાજુ મૂકી પેલા અવાજ તરફ મેં ડગ માંડ્યાં.
               દસેક ફૂટના અંતરે બે-બે થાંભલા ખોડી વચ્ચે જમીનથી સાતેક ફૂટ ઊંચું એક દોરડું બાંધેલું છે. એક ત્રીસેક વરસની શ્યામ વર્ણની સ્ત્રી એક બાજુ બેસીને બરાબર તાલમાં ઢોલક વગાડતી વગાડતી પોતાના એકાદ વરસના બાળકને સંભાળવાનો વ્યર્થ પ્રયત્ન કરી રહી છે. સત્તરેક વરસની એક છોકરી હાથમાં સાયકલની લોઢાની રીંગ લઇને બંને થાંભલા વચ્ચે ઊભી છે. પહેલા બીજા ધોરણમાં ભણવા લાયક એક છોકરાંના હાથમાં સ્ટીલનો એક મોટો વાટકો ખેલ જોઇ રહેલા લોકો પાસેથી કંઇક મળશે એવી આશામાં ઊંચા નીચો થઇ રહ્યો છે. દોરડા પર ચારેક વરસની એક ફૂલ જેવી છોકરી સમતોલન જાળવી રાખવા માટે એક લાંબો દંડ વચ્ચેથી પકડીને દોરડા પર પરિવારના ભરણપોષણ માટે નાછૂટકે શીખેલું કૌશલ્ય બતાવી રહી છે અને એ પણ કેવું હસતાં હસતાં ! દોમ દોમ સાહ્યબી હોવા છતાં પોતાના જીવનનું સમતોલપણું ન જાળવી શકતા અમીરોએ આ દૃશ્ય જોવા જેવું છે !
                 આ દૃશ્ય અડધી મિનિટથી વધારે હું ન જોઇ શક્યો અને આ પરિસ્થિતિનો હાલ પૂરતો મારી પાસે કોઇ ઉકેલ ન હોવાથી નીચું મોઢું કરી હું ચાલવા મંડ્યો. આવીને વળી પાછો ટેસ્ટના કાગળ જોવાનું ચાલું કર્યું, પણ મગજ પેલા પરિવારનાં વિચારોમાં ચડી ગયું. વિચારોના વલોપાત પછી એવો નિર્ણય લેતા વાર ન લાગી કે, તે પરિવારને ઘરે લાવીને જમાડવું. તરત જ અમલ કરવા માટે વળી પાછો એ તરફ ચાલ્યો.
           હવે ઢોલકનો અવાજ બંધ થઇ ગયો હતો. પેલી છોકરી દોરડા પરથી ધીમે ધીમે નીચે ઉતરી રહી હતી. પેલો છોકરો ચારે બાજુ ફરી ફરીને લોકોની ઉદારતાનું માપ કાઢી રહ્યો હતો પરંતુ ખેલ બંધ થઇ જવાના કારણે અત્યાર સુધી કૂતુહલપૂર્વક ઉભેલા લોકો કંઇક આપવું પડશે એવી બીકે ઝડપથી વિખરાવા લાગ્યા હતાં. સ્ત્રીએ પોતાના બાળકને છાનું રાખવા પોતાની સૂકાયેલી છાતીએ વળગાડ્યું. પેલી છોકરીના નીચે ઉતરતાં જ એને બીજું કામ સોંપવામાં આવ્યું.
           સ્ત્રીએ છોકારાના હાથમાંથી વાટકો લઇ છોકરીના હાથમાં આપતાં કહ્યું: જા, બધી દુકાનુએ આંટો મારી આવ્ય.
           છોકરી વાટકો લઇ પોતે દેખાડેલા કૌશલ્યની કદર કરનારા લોકોની ગણતરી કરવા નીકળી. પેલી કિશોરી બધું સંકેલવામાં વ્યસ્ત થઇ ગઇ તો બીજી બાજુ કામ ન હોવાના કારણે એક બંધ દુકાનનાં બાંકડે પોતાની ઊંઘ પૂરી કરી રહેલા છોકરાને જગાડી એની માએ પવાલું લઇને પાણી ભરવા મોકલ્યો. હું જે દુકાન પાસે ઉભો ઉભો આ દૃશ્ય જોઇ રહ્યો હતો એ દુકાન તરફ પેલા બાળકને આવતો જોઇ થયું કે, ચાલો, આ છોકરાને પાસે બોલાવી ઘરે જમવા આવવાનું નિમંત્રણ આપી દઇશ.
            છોકરો દુકાન પાસે પહોંચ્યો અને પવાલું લાંબુ કરી ગ્રાહકોમાં વ્યસ્ત એવા દુકાનદારને પાણી આપવા કહ્યું. દુકાનદારે દુકાનની પાછળ રહેલા પોતાના ઘર તરફ આંગળી ચીંધી કહ્યું: જા, ઘરે કેજે, આપશે. છોકરાને નાની એવી ડેલી વાટે ઘરનાં આંગણામાં જતાં મેં જોયો. થોડી જ પળોમાં એ છોકરો મારા આશ્વર્ય વચ્ચે ખાલી પવાલે બહાર નીકળ્યો. મેં તેને સીસકારો કરી પાસે બોલાવ્યો. કંઇક આશા નિરાશામાં ઝોલા ખાતો એ છોકરો મારી પાસે આવ્યો. મેં કહ્યું: તારે કંઇ ખાવું છે? એ છોકરાએ કોઇપણ પ્રકારના ભાવ વગર માત્ર હકારમાં પોતાનું માથું હલાવ્યું. મેં કહ્યું: જા, પેલા પાણી દઇ આવ. પછી મારી પાસે આવજે. છોકરો કંઇ પણ બોલ્યા વગર ચાલવા માંડ્યો.
          
            દુકાન અને મકાન વચ્ચે ઉગેલા એક બાવળના થડ પાસે કેટલાય સમયથી ન ખંગાળ્યું હોય એવું એક મટકું મૂકેલું  હતું; જેના પર છારી બાઝી ગઇ હતી. છોકરો મટકાના ઢાંકણ સુધી તો પહોંચી ગયો પણ અંદર રહેલા પાણી સુધી તેનો હાથ નહોતો પહોંચી શકતો. મટકા તરફ એક તુચ્છ નજર ફેંકી, આવેશમાં આવીને છોકરો પોતાના હંગામી મુકામ તરફ ચાલવા માંડ્યો. છોકરાએ મા પાસે જઇને કદાચ પોતે વારંવાર મેળવેલા સભ્ય સમાજના અનુભવોમાં આજે થયેલા અનુભવ વિશે વાત કરી હશે. માએ છોકરાને આંગળી ચીંધી બીજી દુકાને જવા કહ્યું. છોકરો વળી પાછો નવો અનુભવ મેળવવા નીકળી પડ્યો. પરંતુ આ વખતે એ નિરાશ ન થયો. દુકાનદારે ફ્રીજમાંથી કાઢીને પાણીની બે કોથળી છોકરાને આપી. છોકરો રાજી થતો થતો મા પાસે ગયો. આખા પરિવારે આ પાણીથી પોતાની તૃષ્ણા સંતોષી અને જવાની તૈયારી કરી.
           કાંખમાં બાળક અને માથા ઉપર પોતાની ઘરવખરી લઇને પેલી સ્ત્રી ચાલવા માંડી. પાછળ પેલો છોકરો અને છોકરી હાથમાં હાથ પરોવી નાચતા કૂદતાં ચાલતા હતાં. આવી પરિસ્થિતિમાં એ બંને બાળકો પોતાના વર્તમાનને કેટલી ભવ્યતાથી માણી રહ્યાં હતાં ! ભૂલભૂલામણી જેવા મોટા મહેલોમાં રહેવાનું ભાગ્ય લઇને આવેલા બાળકોનું બાળપણ એ મહેલોમાં જ ખોવાઇ જતું હોય છે. સૌની છેલ્લે પેલી કિશોરી માથા ઉપર થાંભલીઓનો ભારો બનાવીને માવો ચોળતી ચોળતી ઝડપભેર ચાલવા લાગી.
           હું બે મિત્રો સાથે તેઓ મારી સામેથી નીકળે એની વાટ જોઇ રહ્યો હતો. સાથે સાથે બધાં લોકોની સામે એ પરિવારને ઘરે લઇ જવા માટેની હિંમત પણ એકઠી કરતો હતો. એ બરાબર મારી સામેથી પસાર થયાં. એમની પાસે જઇ કહેવા માટે ન તો મારા પગ ઉપડ્યાં કે ન તો મારી જીભ ! પેલો છોકરો મને જોઇ ગયો. મને થયું કે એ હમણાં મારી આવશે. પરંતુ મારા આશ્વર્ય વચ્ચે એ છોકરાએ મારા પરથી તેની તુચ્છકારભરી નજર હટાવી લીધી હું જોતો જ રહી ગયો. એ છોકરાએ ફરી એક વખત મારી સામું જોયું અને જાણે કહ્યું:અમને આમંત્રણ આપવા માટે હ્રદયની તાકાત જોઇએ.
           હું સમસમીને ઘર તરફ ચાલવા માંડ્યો.

-જિત ચુડાસમા
સત્ય ઘટના ઉપરથી
તા:૨૬/૦૯/૨૦૧૨
સવારે ૮:૪૫ કલાકે

બુધવાર, 20 જૂન, 2012

છેડો મળે...

આવું છું હિંમત કરીને આજ કે આ વાતનો છેડો મળે; 
જોઈ લેવા છે બધાં હથિયાર કે આઘાતનો છેડો મળે. 

હું નથી અંધારનો પર્યાય કે આવી સજા હું ભોગવુ; 
બારણા- બારી ફરી ખુલ્લાં કરો કે રાતનો છેડો મળે; 

આંસુઓના ખારથી આખાય ચહેરા પર લૂણો લાગી ગયો; 
રોઈ લેવા દો હવે ચોધાર, અશ્રુપાતનો છેડો મળે; 

હું અભિપ્રાયો ઉપરછલ્લાં તને આપું તો એથી શું વળ્યું; 
માર ડૂબકી તું જ પોતાની ભીતર તો જાતનો છેડો મળે; 

કોઈ મારા શ્વાસનો દરિયો ઉલેછી નાંખવા મથતું રહે; 
હું જ છોડું શ્વાસની મરજાદ, ચંચુપાતનો છેડો મળે; 
                                                                 
 -'જિત'  ઠાડચકર

બુધવાર, 23 મે, 2012

ભયોભયો

સોના જેવો દિવસ ઊગે ને ચાંદી જેવી રાત, અમારે ભયોભયો છે ! 
એમાં પાછો અાપ સરીખો રઢિયાળો સંગાથ, અમારે ભયોભયો છે ! 

પુષ્પ, પતંગા, પર્વત, પંખી, પર્ણો પ્રાસ રચીને પલપલ પુલકિત કરતાં. 
મંદ મંદ આ સમીર સાથે થયા કરે સંવાદ, અમારે ભયોભયો છે !

ખેતર લીલુંછમ્મ અને આ શેઢા ઉપર સંબંધોના ઢગલે ઢગલાં; 
ઉપરથી આ ધીમી ધારે સ્મરણોનો વરસાદ, અમારે ભયોભયો છે ! 

ખાલીપાની ક્ષણો ફૂટી છે પરપોટાની જેમ, ઉઠ્યા છે છંદતરંગો; 
દશે દિશાથી મળ્યા કરે છે શબ્દોની સોગાદ, અમારે ભયોભયો છે ! 

હોઠ ઉપર આવીને અટકી જાય કશું તો આંખો વાટે અંદર જાજો; 
નામ તમારું નસેનસોમાં દોડે છે પૂરપાટ; અમારે ભયોભયો છે ! 

                                                                 -'જિત' ઠાડચકર

શનિવાર, 12 મે, 2012

કપાસ વીણતી મા

પણે... ખેતરમાં 
કપાસના કાલા જોઇ યાદ આવી ગઇ 
કપાસ વીણતી મા.

'રૂનો થેલો ભરતી ભરતી 
છે......ક સામે શેઢે પહોંચી જતી. 

વહેલી પરોઢે બપોરનું ભાતું બનાવી નીકળી જતી. 
છેક સાંજ ઢ્ળે 
ડગુ મગુ ડગુ મગુ ચાલી આવતી
ઘર ભણી. 

રૂનો થેલો ભરાયેલો જોઇ બહારથી હરખાતી 
રડ્યા કરતી મનમાં ને મનમાં 
પોતાના સંતાનોને કપાસ વીણતા જોઇને. 

શિશિરની શીતલહેરો ગ્રિષ્મનો અગ્નિદાહ બનીને 
લૂંટી ગઇ માની આંખોનું નૂર.
આંગળીઓમાં ટશર ઉપસી આવતાં 
શ્વેત મૂલાયમ રૂ આમ ક્રુર કાં થતું ? 

આખોયે દિવસ ધૂળમાં ઢસડાતું, 
કમરની પીડાથી કળતું, રગદોળાતું મલિન શરીર. 
ક્યાં સુધી ??? 

ત્યાં માઇલો દૂર મા સાથે કપાસના કાલા 
અને અહીં ? 
આંસુ સાથે વહે દિવસો ઠાલા. 
                                                              -'જિત' ઠાડચકર