બુધવાર, 23 મે, 2012

ભયોભયો

સોના જેવો દિવસ ઊગે ને ચાંદી જેવી રાત, અમારે ભયોભયો છે ! 
એમાં પાછો અાપ સરીખો રઢિયાળો સંગાથ, અમારે ભયોભયો છે ! 

પુષ્પ, પતંગા, પર્વત, પંખી, પર્ણો પ્રાસ રચીને પલપલ પુલકિત કરતાં. 
મંદ મંદ આ સમીર સાથે થયા કરે સંવાદ, અમારે ભયોભયો છે !

ખેતર લીલુંછમ્મ અને આ શેઢા ઉપર સંબંધોના ઢગલે ઢગલાં; 
ઉપરથી આ ધીમી ધારે સ્મરણોનો વરસાદ, અમારે ભયોભયો છે ! 

ખાલીપાની ક્ષણો ફૂટી છે પરપોટાની જેમ, ઉઠ્યા છે છંદતરંગો; 
દશે દિશાથી મળ્યા કરે છે શબ્દોની સોગાદ, અમારે ભયોભયો છે ! 

હોઠ ઉપર આવીને અટકી જાય કશું તો આંખો વાટે અંદર જાજો; 
નામ તમારું નસેનસોમાં દોડે છે પૂરપાટ; અમારે ભયોભયો છે ! 

                                                                 -'જિત' ઠાડચકર

શનિવાર, 12 મે, 2012

કપાસ વીણતી મા

પણે... ખેતરમાં 
કપાસના કાલા જોઇ યાદ આવી ગઇ 
કપાસ વીણતી મા.

'રૂનો થેલો ભરતી ભરતી 
છે......ક સામે શેઢે પહોંચી જતી. 

વહેલી પરોઢે બપોરનું ભાતું બનાવી નીકળી જતી. 
છેક સાંજ ઢ્ળે 
ડગુ મગુ ડગુ મગુ ચાલી આવતી
ઘર ભણી. 

રૂનો થેલો ભરાયેલો જોઇ બહારથી હરખાતી 
રડ્યા કરતી મનમાં ને મનમાં 
પોતાના સંતાનોને કપાસ વીણતા જોઇને. 

શિશિરની શીતલહેરો ગ્રિષ્મનો અગ્નિદાહ બનીને 
લૂંટી ગઇ માની આંખોનું નૂર.
આંગળીઓમાં ટશર ઉપસી આવતાં 
શ્વેત મૂલાયમ રૂ આમ ક્રુર કાં થતું ? 

આખોયે દિવસ ધૂળમાં ઢસડાતું, 
કમરની પીડાથી કળતું, રગદોળાતું મલિન શરીર. 
ક્યાં સુધી ??? 

ત્યાં માઇલો દૂર મા સાથે કપાસના કાલા 
અને અહીં ? 
આંસુ સાથે વહે દિવસો ઠાલા. 
                                                              -'જિત' ઠાડચકર