ગુરુવાર, 14 જુલાઈ, 2011

ઉછીનું મોતી...

હો... તારા ટહુકામાં ગૂંથ્યા છે વાસંતી મોતી ! ઓ કોકિલા... 
મને ઉછીનું આપ એક મોતી ! 

મારા લીમડાની એક ડાળ સૂકી છે; 
વીત્યાં વરસોની વાતો ત્યાં મૂકી છે. 

હો... મારા બચપણના ભેરૂને લાવી દે ગોતી ! ઓ કોકિલા... 
મને ઉછીનું આપ એક મોતી ! 

તારા કંઠે મેં જોયો છે ફાગણને; 
રંગ કેસરિયે લીંપ્યું છે આંગણને. 

હો... મારા શબ્દોના સીમાડા આવ જરા જોતી ! ઓ કોકિલા... 
મને ઉછીનું આપ એક મોતી ! 

-'જિત' ઠાડચકર

અજાણ્યાં વિસ્તારે (શિખરિણી)

અજાણ્યાં વિસ્તારે, ક્યમ ખબર મુજને પડી શકે ? 
પ્રભુ હું કાચો છું, સમજ ધરવા આવ પડખે. 

દિવાલો ઊભી છે, તિમિર રચવા આ પ્રહરમાં; 
રવિ મારા ઉરે, ઉદિત કરજો તેજ સઘળું.

અજંપાની સાથે, સમય કપરાં ઘાવ કરતો; 
સહી જાણું એને, સહન કરતી જેમ ધરતી. 

ઉદાસી આંખોમાં, રજકણ સમી ઝાઁખ અર્પે;
મને આપો એવી નજર નિરખું હું સકલને. 


-'જિત' ઠાડચકર







પડછાયા ભૂલા પડ્યા..

કોઇ સરનામું શોધીને લાવો,કે પડછાયા ભૂલા પડ્યા!
એને આંગળીએ ઝાલી લઇ જાઓ,કે પડછાયા ભૂલા પડ્યા! 

પીળચટ્ટી આવળને છાંયે બાંધેલ 
મારા બચપણની કટ્ટી છોડાવો; 
રોઇ રોઇ થાકેલી સહિયરની ચોરેલી 
સોનાની બુટ્ટી ઘડાવો. 

એને સગપણની કેડી બતાવો,કે પડછાયા ભૂલા પડ્યા!
કોઇ સરનામું શોધીને લાવો,કે પડછાયા ભૂલા પડ્યા! 

આંધળા તે પગરવની પૂંઠે આવીને 
મારા સપનાની ડેલી ખખડાવી; 
અંધારી રાત્યુંના ઓથારે બેસીને 
અટકળની અબળા અભડાવી. 

એને સૂરજની ઝાઁખી કરાવો,કે પડછાયા ભૂલા પડ્યા !
કોઇ સરનામું શોધીને લાવો,કે પડછાયા ભૂલા પડ્યા !


-'જિત' ઠાડચકર




હૈયા હો...

કોઈ ઉપાડો શ્વાસોની બિસ્માર નનામી, હૈયા હો ! 
ક્ષણનાં સૂરજની સાખે હોમાય સલામી, હૈયા હો !

આગળ પાછળ ઉડતી જાતી ધૂળની ભૂરી ડમરી, ને; 
આંખોમાં બેફામ બનેલી ઝાઁખ હરામી, હૈયા હો ! 

નાક મથાળે બેઠેલી માખીના સગપણ શોધી લો; 
વાનર પાસે સાવ ખુલ્લી તલવાર ઇનામી, હૈયા હો ! 

ધગધગતા સળિયા નાંખીને ફોડી નાંખો કુબજાને; 
કર્યા કરે છે સપનાની દિનરાત ગુલામી, હૈયા હો ! 

'જિત' ખિસ્સામાં સ્વારથના ખખડે છે સિક્કા, બોલી દઉં ? 
કોઇ મરેલા માણસની જો થાય નિલામી, હૈયા હો !

-'જિત' ઠાડચકર