સોમવાર, 21 નવેમ્બર, 2011

મારી શાળા

મને એકડો ઘૂંટવા જ્યાં મળ્યો છે, 
અને પ્રેમ જ્યાં એકડામાં ભળ્યો છે; 
ભર્યો પ્રેમથી,હું હતો સાવ ખાલી; 
મને મારી શાળા બધાથીય વ્હાલી! 

ફૂલો જેમ ખીલી ઉઠે એમ ખીલું, 
અહીં આવતા ના રહે કોઇ વીલું; 
કહે છે આ વ્રુક્ષોની એકેક ડાલી; 
'મને મારી શાળા બધાથીય વ્હાલી!' 

શિવમ્, સુંદરમ્, સત્યને જાણવાને, 
મળી આંખ જ્યાં કલ્પના માણવાને; 
અને પાડતા જ્યાં શીખ્યો તેર તાલી; 
મને મારી શાળા બધાથીય વ્હાલી!

કદી કુવિચારો મને જો સતાવે, 
ભૂલો જો પડું, પંથ સાચો બતાવે; 
પડું-આખડું તો એ લે હાથ ઝાલી;
મને મારી શાળા બધાથીય વ્હાલી!

-'જિત' ઠાડચકર 






મંગળવાર, 9 ઑગસ્ટ, 2011

વાત કવિતાની...

વાતમાંથી નીકળી છે વાત કવિતાની;
તો ભલે થઇ આજે રાત કવિતાની !

હું હજી કાચો ઘડો છું ચૂલમાં નાંખો ;
એમ કંઇ મળશે નહિ સોગાદ કવિતાની !

કેમ અજવાળું ન આપે આપણો દિપક ?
તેલ શબ્દોનું અને છે વાટ કવિતાની !

જો અમારા દોસ્ત હો તો આટલું કરજો;
આપશો ના સાવ ખોટી દાદ કવિતાની.

'જિત' ઇચ્છા હોય તો આવી જજો રમવા;
આજ માંડી છે અમે ચોપાટ કવિતાની !
-'જિત' ઠાડચકર

રવિવાર, 7 ઑગસ્ટ, 2011

આજથી ૭ વર્ષ પહેલા આજના દિવસે મારા સૌથી પ્રિય મિત્ર સ્વ. હર્ષદભાઇ માટે લખાયેલી રચના.

જિંદગીની અમૂલ્ય પળોનું નામ છે દોસ્તી;
જીવી જાણો તો નશીલી જામ છે દોસ્તી.

એક જ વાર માણો એની સુવાસ આ જગતમાં;
કંટકરૂપી સંસારનું સુંદર ગુલફામ છે દોસ્તી.

જીવનમાં ક્યાંયપણ મળે જો કોઇ સજ્જનો;
સાથે મળી માણવા જેવી શામ છે દોસ્તી.

ઇશ્વરને ક્યાં ક્યાં નથી શોધતો આ માનવી !
નિખાલસતાથી અચૂક મળે એ રામ છે દોસ્તી.

વિદાય લઉં છું દોસ્ત, થશે નહિ પુનર્મિલન;
'જિત'ની આ આખરી સલામ છે દોસ્તી.

ગુરુવાર, 4 ઑગસ્ટ, 2011

યાદ છે...

શબ્દથી ટૂંકા પડ્યાનું યાદ છે !
મૌનથી ચૂકી ગયાનું યાદ છે !

ભીંતમાંથી એક અંકુર નીકળ્યું;
ને પછી જંગલ થયાનું યાદ છે !

ક્યાંક દરિયો થઇ ગયો પળવારમાં;
બે ઘડી એમ જ રડ્યાનું યાદ છે !

ચાલ, જુલ્ફો, અંગ-ઢંગો કોઇના;
જોઇને ભટકી ગયાનું યાદ છે !

કૈંક તો ઘટના ઘટી છે મહેફિલે;
'જિત' કેવળ જઇ ચડ્યાનું યાદ છે !
-'જિત' ઠાડચકર

ગુરુવાર, 28 જુલાઈ, 2011

કદાચિત...

એ ફૂલોની પાસે લખાવે કદાચિત;
પવન સાથે ખત મોકલાવે કદાચિત !

તને એમ છે કે એ ભૂલો પડ્યો છે !
બને એ જ રસ્તો બતાવે કદાચિત !

ઉદાસી,વ્યથા, આંસુઓ, યાતનાઓ;
છે સઘળુંય તારા અભાવે કદાચિત.

અમે ઘર બનાવ્યું છે એકાંત મધ્યે;
આ શબ્દો હવે ઘર સજાવે કદાચિત !

કરી છે અમે દોસ્તી સાંજ સાથે;
હવે રંગ જીવનમાં આવે કદાચિત !
-'જિત' ઠાડચકર

શનિવાર, 23 જુલાઈ, 2011

ઘટના...

બની રહી છે કેમ અહીં હોવાની ઘટના ?
ઇચ્છા તો છે ક્યાંક બને ખોવાની ઘટના.

આપ ભલે ને સ્મિતોના તોરણ બાંધી દો;
ઘરમાંથી તો નીકળે છે રોવાની ઘટના.

જાય પછી રાતોની રાતો ઉજાગરામાં;
ખૂબ પડે છે મોંઘી આ જોવાની ઘટના.

પુણ્ય અને પાપોની સઘળી ચિંતા છોડો;
ગંગામાં તો રોજ બને ધોવાની ઘટના.

કોણ જાય છે રોજ ગઝલમાળા ગૂંથીને ?
અને બને છે કેમ શબ્દ પ્રોવાની ઘટના ?
-'જિત' ઠાડચકર

ગુરુવાર, 21 જુલાઈ, 2011

માળો કર્યો...

સાવ સૂક્કા અવસરની પાળે ઉગેલ 
એક ઘટનાની ડાળે અમે માળો કર્યો.

શમણા બનીને રોજ આવ્યા કરે 
કોઇ મુલકના પંખી અજાણ્યાં; 
   જન્મારો આખો જોને સાથે ગાળ્યો,
   બસ માણ્યાં, કદી ના પિછાણ્યાં. 

તણખાને ટેકે અમે બેસી રહ્યા, ને
  પેલા પાંદડાએ ખોટો હોબાળો કર્યો !
સાવ સૂક્કા અવસરની પાળે ઉગેલ 
  એક ઘટનાની ડાળે અમે માળો કર્યો.

  જગની વિશાળતાયે વામણી પડે, 
 એક માળાના ગોળ ગોળ ખાડે; 
     અવસર સૂક્કો ને તોય લીલા સંબંધે
   રહ્યા તું ને હું થડિયાની આડે. 

કેમે કરીને મૌન ભેગું કર્યું ને, 
        પેલા સ્મરણોનાં ટહુકાએ ચાળો કર્યો ! 
સાવ સૂક્કા અવસરની પાળે ઉગેલ 
     એક ઘટનાની ડાળે અમે માળો કર્યો.


-'જિત' ઠાડચકર