શનિવાર, 23 જુલાઈ, 2011

ઘટના...

બની રહી છે કેમ અહીં હોવાની ઘટના ?
ઇચ્છા તો છે ક્યાંક બને ખોવાની ઘટના.

આપ ભલે ને સ્મિતોના તોરણ બાંધી દો;
ઘરમાંથી તો નીકળે છે રોવાની ઘટના.

જાય પછી રાતોની રાતો ઉજાગરામાં;
ખૂબ પડે છે મોંઘી આ જોવાની ઘટના.

પુણ્ય અને પાપોની સઘળી ચિંતા છોડો;
ગંગામાં તો રોજ બને ધોવાની ઘટના.

કોણ જાય છે રોજ ગઝલમાળા ગૂંથીને ?
અને બને છે કેમ શબ્દ પ્રોવાની ઘટના ?
-'જિત' ઠાડચકર

ગુરુવાર, 21 જુલાઈ, 2011

માળો કર્યો...

સાવ સૂક્કા અવસરની પાળે ઉગેલ 
એક ઘટનાની ડાળે અમે માળો કર્યો.

શમણા બનીને રોજ આવ્યા કરે 
કોઇ મુલકના પંખી અજાણ્યાં; 
   જન્મારો આખો જોને સાથે ગાળ્યો,
   બસ માણ્યાં, કદી ના પિછાણ્યાં. 

તણખાને ટેકે અમે બેસી રહ્યા, ને
  પેલા પાંદડાએ ખોટો હોબાળો કર્યો !
સાવ સૂક્કા અવસરની પાળે ઉગેલ 
  એક ઘટનાની ડાળે અમે માળો કર્યો.

  જગની વિશાળતાયે વામણી પડે, 
 એક માળાના ગોળ ગોળ ખાડે; 
     અવસર સૂક્કો ને તોય લીલા સંબંધે
   રહ્યા તું ને હું થડિયાની આડે. 

કેમે કરીને મૌન ભેગું કર્યું ને, 
        પેલા સ્મરણોનાં ટહુકાએ ચાળો કર્યો ! 
સાવ સૂક્કા અવસરની પાળે ઉગેલ 
     એક ઘટનાની ડાળે અમે માળો કર્યો.


-'જિત' ઠાડચકર



બુધવાર, 20 જુલાઈ, 2011

રાજમાતા

તું અમારો શ્વાસ છે;
ક્યાં છતાંયે પાસ છે ?

હું હજી ચાહુ તને;
ક્યાં તને વિશ્વાસ છે ?

તેં જ વાવ્યું છે બધું;
તેં જ પાડ્યા ચાસ છે.

એક અમથો શ્વાસ ને;
સેંકડો નિ:શ્વાસ છે.

એક તારો ઝળહળ્યો;
કેટલો અજવાસ છે !

દિલ જશે તો ચાલશે;
વેદના તો ખાસ છે !

રાજમાતા છે ગઝલ;
'જિત' કેવળ દાસ છે.
                                                                   -'જિત' ઠાડચકર

શનિવાર, 16 જુલાઈ, 2011

આ શું થઈ રહ્યુ છે ?

હે બાપુ! ભગતસિંહ, હે આઝાદ, નહેરુ! જો વેરાન આખું ચમન થઇ રહ્યું છે; 
બને સ્વાર્થઘેલો અહીં એક માણસ, ને બરબાદ આખું વતન થઇ રહ્યું છે. 
હે આંબેડકર ! કાયદાને બધાં પોતપોતાના ખિસ્સામાં લઇને ફરે છે; 
રહ્યું છે હવે ક્યાં ચલણ મૂલ્ય કેરું ? સરેઆમ સૌનું પતન થઇ રહ્યું છે.
                                                   સરેઆમ સૌનું પતન થઇ રહ્યું છે.

-'જિત' ઠાડચકર

ગુરુવાર, 14 જુલાઈ, 2011

ઉછીનું મોતી...

હો... તારા ટહુકામાં ગૂંથ્યા છે વાસંતી મોતી ! ઓ કોકિલા... 
મને ઉછીનું આપ એક મોતી ! 

મારા લીમડાની એક ડાળ સૂકી છે; 
વીત્યાં વરસોની વાતો ત્યાં મૂકી છે. 

હો... મારા બચપણના ભેરૂને લાવી દે ગોતી ! ઓ કોકિલા... 
મને ઉછીનું આપ એક મોતી ! 

તારા કંઠે મેં જોયો છે ફાગણને; 
રંગ કેસરિયે લીંપ્યું છે આંગણને. 

હો... મારા શબ્દોના સીમાડા આવ જરા જોતી ! ઓ કોકિલા... 
મને ઉછીનું આપ એક મોતી ! 

-'જિત' ઠાડચકર

અજાણ્યાં વિસ્તારે (શિખરિણી)

અજાણ્યાં વિસ્તારે, ક્યમ ખબર મુજને પડી શકે ? 
પ્રભુ હું કાચો છું, સમજ ધરવા આવ પડખે. 

દિવાલો ઊભી છે, તિમિર રચવા આ પ્રહરમાં; 
રવિ મારા ઉરે, ઉદિત કરજો તેજ સઘળું.

અજંપાની સાથે, સમય કપરાં ઘાવ કરતો; 
સહી જાણું એને, સહન કરતી જેમ ધરતી. 

ઉદાસી આંખોમાં, રજકણ સમી ઝાઁખ અર્પે;
મને આપો એવી નજર નિરખું હું સકલને. 


-'જિત' ઠાડચકર







પડછાયા ભૂલા પડ્યા..

કોઇ સરનામું શોધીને લાવો,કે પડછાયા ભૂલા પડ્યા!
એને આંગળીએ ઝાલી લઇ જાઓ,કે પડછાયા ભૂલા પડ્યા! 

પીળચટ્ટી આવળને છાંયે બાંધેલ 
મારા બચપણની કટ્ટી છોડાવો; 
રોઇ રોઇ થાકેલી સહિયરની ચોરેલી 
સોનાની બુટ્ટી ઘડાવો. 

એને સગપણની કેડી બતાવો,કે પડછાયા ભૂલા પડ્યા!
કોઇ સરનામું શોધીને લાવો,કે પડછાયા ભૂલા પડ્યા! 

આંધળા તે પગરવની પૂંઠે આવીને 
મારા સપનાની ડેલી ખખડાવી; 
અંધારી રાત્યુંના ઓથારે બેસીને 
અટકળની અબળા અભડાવી. 

એને સૂરજની ઝાઁખી કરાવો,કે પડછાયા ભૂલા પડ્યા !
કોઇ સરનામું શોધીને લાવો,કે પડછાયા ભૂલા પડ્યા !


-'જિત' ઠાડચકર