શનિવાર, 1 ઑગસ્ટ, 2015

અમારું એવું છે ગુજરાત.

એવું છે ગુજરાત અમારું, એવું છે ગુજરાત.
દશે દિશામાં સદાય જેની થયાં કરે છે વાત.
                    અમારું એવું છે ગુજરાત.

સાહસના પર્યાય સમો છે ગુણવંતો ગુજરાતી;
હોય ભલે એ હિંદુ, મુસ્લિમ, શીખ, પારસી જાતિ.
અડગ બનીને ઊભું રહ્યું છે, ભલે મળ્યાં આઘાત.
                   અમારું એવું છે ગુજરાત.

અલખ જગાવી ઊભો યુગોથી ઊંચો ગઢ ગિરનાર,
સિંહ સમો પડઘાય હજી રાનવઘણનો હુંકાર.
ચોગરદમથી ભગવો બોલે, જય જય ગોરખનાથ !
                   અમારું એવું છે ગુજરાત.   

મઝધારે તોફાન મચાવે ગુજરાતી મછવારો.
ગુજરાતી ગૌરવગાથાનો ક્યાંય ના આવે આરો.
દુનિયાના નક્શામાં જાણે પડી અનોખી ભાત.
                   અમારું એવું છે ગુજરાત.

                                            - ‘જિત ઠાડચકર

અમારું એવું છે ગુજરાત.

 
એવું છે ગુજરાત અમારું, એવું છે ગુજરાત.
દશે દિશામાં સદાય જેની થયાં કરે છે વાત.
                    અમારું એવું છે ગુજરાત.
સાહસના પર્યાય સમો છે ગુણવંતો ગુજરાતી;
હોય ભલે એ હિંદુ, મુસ્લિમ, શીખ, પારસી જાતિ.
અડગ બનીને ઊભું રહ્યું છે, ભલે મળ્યાં આઘાત.
                   અમારું એવું છે ગુજરાત.

અલખ જગાવી ઊભો યુગોથી ઊંચો ગઢ ગિરનાર,
સિંહ સમો પડઘાય હજી રાનવઘણનો હુંકાર.
ચોગરદમથી ભગવો બોલે, જય જય ગોરખનાથ !
                   અમારું એવું છે ગુજરાત.   

મઝધારે તોફાન મચાવે ગુજરાતી મછવારો.
ગુજરાતી ગૌરવગાથાનો ક્યાંય ના આવે આરો.
દુનિયાના નક્શામાં જાણે પડી અનોખી ભાત.
                   અમારું એવું છે ગુજરાત.

                              - ‘જિત ઠાડચકર       

જોઇ લે.

હું ઊભો છું શબ્દની સાવ જ સમીપે, જોઇ લે.
હાથ પકડ્યો મીર, મીરાં ને મરીઝે, જોઇ લે.

મારી પહેલા ઓરડો દોડી પડ્યો છે ખોલવા;
એમ મારા દ્વાર ખખડાવ્યાં સમીરે, જોઇ લે.

રંગ લાવી છે પ્રતીક્ષા કેટલા વરસો પછી;
આવી ઊભા રામ શબરીની કુટિરે, જોઇ લે.

ઝૂંપડીમાં લાગશે લૂણો, કદાચિત એ ભયે;
ભીતરે સૂકવી દીધાં આંસુ ગરીબે, જોઇ લે.

આંખમાંથી ધૂમ દૃશ્યો ઓગળીને નીકળ્યાં;
એટલી રજકણ ઉડાડી છે અતીતે, જોઇ લે.

સાંજનો શણગાર તારી આંખમાં જોયા પછી;
રોજ આવીને ઊભો રહું છું ક્ષિતિજે, જોઇ લે.

                        - જિત ઠાડચકર

શાને ?


સાવ અમસ્તા મળવું શાને ?
એકબીજાને છળવું શાને ?

સરવર થઇને જીવ્યાં, બસ છે;
સાગર થઇ ખળભળવું શાને ?

સાહસ હોય તો માર ડૂબકી;
તટ ઉપર ટળવળવું શાને ?

અજવાળું થ્યું, એ જ ઘણું છે;
પાસે જઇને બળવું શાને ?

ભીતર આ ભંડાર ભર્યો છે;
બ્હાર હવે નીકળવું શાને ?
     
                                     - જિત ઠાડચકર

હોતું નથી...


પામવા જેવું કશું હોતું નથી;
જ્યાં સ્વયંનું પારખું હોતું નથી.

 હોય છે કેવળ છૂપેલી નગ્નતા;
વસ્ત્ર એકે આપણું હોતું નથી.
 
બંધ મૂટ્ઠીનો જ ફાળો હોય છે;
મૂલ્ય એમાં રાખનું હોતું નથી.

હૂંફ માની ગોદમાં સાચી મળે;
ક્યાંય એવું તાપણું હોતું નથી.

 રોજની છે વાત આ, તારા વગર;
શ્વાસમાં મારાપણું હોતું નથી.

                        - જિત ઠાડચકર

યુદ્ધ


યુદ્ધમાં તો ક્યાં કશુંયે ધારવાનું હોય છે ?
હોય દુશ્મન એટલે બસ મારવાનું હોય છે.
આમ તો જીતી જવાતું હોય છે મેદાનમાં;
ભીતરે તો દોસ્ત કેવળ હારવાનું હોય છે.
                         
                       - જિત ઠાડચકર

બુધવાર, 3 એપ્રિલ, 2013

અમને વિદાય આપો...- વિદાય પ્રસંગે વિદાય લઇ રહેલા બાળકો ગાઇ શકે તેવી રચના.

 રાગ: ઇંસાફ કી ડગર પે બચ્ચો દિખાઓ ચલકે.....

જીવનવિકાસ કરવા, અમને વિદાય આપો; 
શ્વાસો નવીન ભરવા, અમને વિદાય આપો.

આગળ જઇને કરશું અમે નામ સૌનું રોશન; 
જીવતાં સુધી કરીશું અમ દેશ કેરું રક્ષણ.........2 
કલ્યાણકાર્ય કરવા, અમને વિદાય આપો.
શ્વાસો નવીન ભરવા, અમને વિદાય આપો.

હસતા રહી સદાયે કામો બધાય કરશું; 
સાહસને શૂરતાથી આફતને પાર કરશું..........2 
દુ:ખ સામે હામ ભરવા, અમને વિદાય આપો; 
શ્વાસો નવીન ભરવા, અમને વિદાય આપો.

બસ, પ્રાર્થના છે એક જ; અમ સૌની આ વિદાયે, 
માતા સરસ્વતીની રહેજો કૃપા સદાયે...........2 
ઋણ આપનું ચૂકવવા, અમને વિદાય આપો; 
શ્વાસો નવીન ભરવા, અમને વિદાય આપો.

-'જિત' ઠાડચકર